પ્રકીર્ણ વચનો
1મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં કોઇને બદલે પારકાને માટે કોલ આપ્યો હોય, 2તો તું તારા શબ્દોથી બંધાઇ ચૂક્યો હોય, જો તું વચનોને લીધે સપડાયો હોય, 3તો તારા પડોશીના હાથમાં સપડાયો છે. મારા પુત્ર, તું આટલું કરીને છૂટો થઇ જજે; તું એકદમ જા. તારા પડોશીની આગળ નમી જઇને કાલાવાલા કર. 4સૌથી પહેલા સૂઇશ નહિ. અને તારી પાંપણોને ઢળવા દઇશ નહિ. 5હરણું જેમ શિકારીના હાથમાંથી ભાગી જાય અથવા પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.
આળસુના બનો
6ઓ આળસુ, કીડી પાસે જા; તે કેમ જીવે છે તે જોઇને હોશિયાર થા. 7તેના પર કોઇ મુકાદમ નથી, કોઇ આજ્ઞા કરનાર નથી, કે કોઇ ધણી નથી. 8છતાં તે પાક વખતે પોતાનાં અનાજનો સંગ્રહ કરે છે અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે.
9ઓ આળસુ. તું ક્યાં સુધી પડ્યો રહીશ? તું ક્યારે ઊંઘમાંથી ઊઠીશ? 10તું કહે છે કે “હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ, ટૂંટિયાં વાળીને થોડોક આરામ લેવા દો.” 11તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ ધાડપાડુની જેમ ગરીબી તારા પર ત્રાટકશે.
દુષ્ટ માણસ
12નકામો અને દુષ્ટ માણસ ગેરમાગેર્ દોરનારી વાતો કરશે. 13તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે અને આંગળીથી ઇશારો કરશે. 14તેના મનમાં કપટ છે, તે વિધ્વંસી અનિષ્ટો ઘડે છે અને હંમેશા તકરારો મોકલે છે. 15આથી અચાનક તેના પર વિપત્તિના વાદળ ઘેરાય છે. અને તે એકાએક ભાંગીને ભૂક્કા થઇ જાય છે, તે ફરી બેઠો થઇ શકતો નથી.
એ સાત વાતો જેને યહોવા ઘૃણા કરે છે
16યહોવા સખત અણગમતી સાત વસ્તુઓમાંથી છ વસ્તુને ધિક્કારે છે.
17તુમાખીભરી આંખો, જૂઠાબોલાની જીભ,
નિદોર્ષના લોહીથી ખરડાયેલા હાથ,
18દુષ્ટ કાવતરાં રચનાર હૃદય,
નુકશાન કરવા દોડી જતા પગ,
19શ્વાસેશ્વાસે જૂઠું બોલનાર જૂઠો સાક્ષી.
અને રનેહી સંબંધીઓમાં કુસંપનું બીજ વાવનાર માણસ.
20મારા દીકરા, તારા પિતાની આજ્ઞાઓને માનજે. અને તારી માતાની શિખામણો ભૂલીશ નહિ. 21એને સદા તારા હૃદયમાં બાંધી રાખજે અને તારા કંઠની આજુબાજુ લટકાવી દેજે. 22તું જ્યારે જ્યારે ચાલતો હોઇશ ત્યારે એ તને માર્ગ બતાવશે, તું ઊંઘતો હશે ત્યારે એ તારી ચોકી કરશે. અને તું જાગતો હશે ત્યારે એ તારી સાથે વાતચીત કરશે.
23આજ્ઞા એ દીપક છે, અને નિયમ પ્રકાશ છે; અને ઠપકો તથા ચેતવણી એ જીવનના માર્ગદર્શક છે. 24એ તારું ભૂંડી સ્ત્રીથી રક્ષણ કરશે અને, અપવિત્ર સ્ત્રીની લોભામણી વાણીથી ઉગારી લેશે. 25તેના રૂપ સૌંદર્યની કામના કરતો નહિ અને તેના આંખનાં પોપચાંથી સપડાઇશ નહિ. 26કારણ કે વારાંગનાને તો પુરુષે રોટલાનો ટૂકડો આપવો જ પડે છે જ્યારે પરણેલી સ્ત્રીની વાસનાભૂખતો પુરુષના જીવનને લઇને સંતોષાય છે. 27જો કોઇ માણસ અંગારા હૈયે ચાંપે તો તેનું પહેરણ સળગ્યા વગર રહે? 28જો કોઇ માણસ અંગારા પર ચાલે તો શું તેના પગ દાઝયા વગર રહે? 29એટલે કોઇ તેના પાડોશીની પત્ની પાસે જાય છે, અને તેને સ્પર્શ કરે છે તેને સજા થયા વિના રહેતી નથી.
30જો કોઇ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો તેના માટે માન નથી ગુમાવી બેસતા. 31પણ જો તે પકડાય છે તો તેણે તેનું સાતગણું આપવું પડે છે. એનો અર્થ એવો થાય કે પોતાના ઘરની સઘળી સંપત્તિ સોંપી દેવી પડે તો પણ. 32જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલ વગરનો છે, તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે. 33તેના નસીબમાં તેને માર તથા અપમાન જ મળશે અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ. 34કારણ કે ઇર્ષ્યાથી ધણીનો રોષ ભભૂકી ઊઠશે અને તે વૈર વાળતી વખતે જરાય કાચું રાખશે નહિ. 35તે કોઇ પગાર સ્વીકારશે નહિ અને કોઇપણ પ્રકારની ભેટો તેને શાંત પાડી શકશે નહિ.